રહ્યાં કોરાં કાં ચોમાસે ? નકામો જીવ ના બાળો
ઘણાં વાદળ છે આકાશે ! નકામો જીવ ના બાળો.
દગો દીધો જો વિશ્વાસે, નકામો જીવ ના બાળો
અગર દાઝ્યા છો ભીનાશે, નકામો જીવ ના બાળો.
થવાનું જે હશે; થાશે ! નકામો જીવ ના બાળો
રહો એના જ વિશ્વાસે, નકામો જીવ ના બાળો.
તમારા આંગણામાં જે ઉછેર્યું ઝાડ એનાં ફળ-
નસીબ જેના તે ખાશે, નકામો જીવ ના બાળો !
તમે સાચવશો ક્યાં સુધી એ રંગોને; સુગંધને ?
ફૂલો ખીલ્યાં તો ચૂંટાશે, નકામો જીવ ના બાળો.
એ વાદળ છે અને વરસી જવાની એની ફિતરત છે
વરસતું એ ન રોકાશે, નકામો જીવ ના બાળો !
જતન જળનું કરો તો શક્યતા ભીનાશની રહેશે,
કદી મૃગજળ ન ભીંજાશે, નકામો જીવ ના બાળો !
સળગતા દીપને જો ધ્યાનથી જોશો તો સમજાશે
વસે અંધાર અજવાશે ! નકામો જીવ ના બાળો.
પવન પથરીલો છે ને છે હવા પણ ખૂબ ખરબચડી-
ઉઝરડા છે હરેક શ્વાસે ! નકામો જીવ ના બાળો….!
5 comments:
Very nice gazal….!
“રહ્યાં કોરાં કાં ચોમાસે ? નકામો જીવ ના બાળો
ઘણાં વાદળ છે આકાશે ! નકામો જીવ ના બાળો.”
ગ્ઝલ પતી ગઇ , ને જિવ બળી ગ્યો………..!
અત્યારે ખુબ જ ખરાબ મુડ હતો..તમારિ ગઝલ સામ્ભળી ને સાચે જ દિલાસો મલ્યો..નકામો જિવ બળતો બન્ધ થયો…થેન્કસ અ લોટ…
મા બૃહિ દીનં વચઃ પરથી – રિષભ મહેતાએ
સરસ ગઝલ રચી.
નકામો જીવ બાળનારા ફક્ત
“એ વાદળ છે અને વરસી જવાની એની ફિતરત છે
વરસતું એ ન રોકાશે, નકામો જીવ ના બાળો !”
સમજે તો તે આશા આપવા પુરતો છે સાથે મૃગજળ ભીંજાશે એ વિચાર છોડી જળનું જતન કરો તો જ ભીનાશની શક્યતા રહેશે.
સુંદર ગઝલ
અભિનંદન
સુંદર રીષભભાઇ..સરસ બહુ સરસ
બે લાઈન ઉમેરવાનુ મન થઈ ગયુ…..
ઇશ્વરે આપ્યુ છે આ સુન્દર મજાનુ જીવન
આજે દૂખ છે તો કાલે સુખ હશે નકામો જીવ ના બાળો
wah wah..
Post a Comment