એક રાતના


એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું

હળવે રહીને બંધ આંખમાં પાની લીલું ફરકાવ્યું !


સદીઓની સદીઓથી મને હું ખેતર ખેડતો લાગું

પરસેવાના બદલામાં હું ધાન મુઠ્ઠી માગું.


કૂણાં કૂણાં કણસલાંએ મોં મીઠું મલકાવ્યું !

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.


વાદળ વરસી અનરાધારે લાગણિયું પખાળે

ચાસ ચાસમાં લ્હેરાતો મોલ અવસર લીલા પાળે !


નભરાજાએ સાત રંગનું છોગલડું લહેરાવ્યું !

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.


ખેતર વરચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો

સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !


પંખીઓએ કલકલ નાદે ઝરણું એક વહાવ્યું !

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.

0 comments:

 

કમલનું ગુજરાતી વિશ્વ ! Blak Magik is Designed by productive dreams for smashing magazine Bloggerized by Blogger Template © 2009