શમણું ભલે


શમણું ભલે ને નભમા વિહરવાનું હોય છે

આંધી બનેલ ધૂળને ઠરવાનું હોય છે


હો પુષ્પ કે મનુષ્ય બસ અવધિનો છે ફરક

ખરતાં પહેલા સ્હેજ નિખરવાનું હોય છે


કયારેક હાથપગને પછાડો એ વ્યર્થ હો

કયારેક બસ પ્રવાહમાં તરવાનું હોય છે


ચઢતા ચઢી જવાય છે ઊંચાઇઓ ઉપર

ભૂલી જવાય છે કે ઊતરવાનું હોય છે


જીવનમાં યાદ રાખવા જેવું ઘણું હશે

એથી વધુ ઘણુંય વીસરવાનું હોય છે


સાગર અફાટ સામે નથી હોતો હરવખત

કયારેક અશ્રુબિંદુમાં તરવાનું હોય છે


જીવી જવાય કાવ્યને કેવી રીતે ? કહું ?

છે શર્ત, પંકિતપંકિતએ મરવાનું હોય છે

એક રાતના


એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું

હળવે રહીને બંધ આંખમાં પાની લીલું ફરકાવ્યું !


સદીઓની સદીઓથી મને હું ખેતર ખેડતો લાગું

પરસેવાના બદલામાં હું ધાન મુઠ્ઠી માગું.


કૂણાં કૂણાં કણસલાંએ મોં મીઠું મલકાવ્યું !

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.


વાદળ વરસી અનરાધારે લાગણિયું પખાળે

ચાસ ચાસમાં લ્હેરાતો મોલ અવસર લીલા પાળે !


નભરાજાએ સાત રંગનું છોગલડું લહેરાવ્યું !

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.


ખેતર વરચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો

સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !


પંખીઓએ કલકલ નાદે ઝરણું એક વહાવ્યું !

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.

રણ બનાવીએ


અર્થને શખ્દે મૂકી ગોફણ બનાવીએ,

ઝાંઝવાં ભેગાં કરીને રણ બનાવીએ.


દોટ, ચિંતા, વ્યસ્તતા, પાષાણતા વરચે,

કૈં કરીએ એવું, એને જણ બનાવીએ.


પાંદડાંને ડાળથી વિરછેદવા માટે,

આપણું તો એવું કે, ભૈ ! ઘણ બનાવીએ.


ચાડિયો દેખીને પથ્થર ચૂગવા માંડે,

છૂટતા ગોફણથી પથ્થર ચણ બનાવીએ.


ઝૂમતા રોકી શકે છે કોણ ? કઇ રીતે ?

આંસુનાં ઝાંઝર અને કંકણ બનાવીએ.

અહીં પણ અને ત્યાં પણ


ધેરાયલી મધરાત, અહીં પણ અને ત્યાં પણ

આ કારમું એકાંત, અહીં પણ અને ત્યાં પણ


સરખી ઉભયની લાગણી, સરખો ઉભયનો પ્રેમ

છે દર્દ આત્મસાત, અહીં પણ અને ત્યાં પણ
અહીં પણ અને ત્યાં પણ

હું છું અગર વ્યાકુળ તો એ પણ છે બેકરાર

આંખોથી અશ્રુપાત, અહીં પણ અને ત્યાં પણ


આ કાળરાત વીતશે, પૂરો થશે વિયોગ

થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ



સંયોગવશ થવું પડ્યું એ મોડ પર અલગ

જીવનની રીતભાત, અહીં પણ અને ત્યાં પણ


હું પણ વિસારૂં, તુંય વિસારીને આંખ લૂછ

શાનો આ વલોપાત, અહીં પણ અને ત્યાં પણ


હું કોણ ને તું કોણ રમત છે આ જીવનની

બન્ને તરફ છે માત, અહીં પણ અને ત્યાં પણ


આ દર્દ, આ વ્યથા, આ અજંપો ને આ સ્મરણ

કેવી મળી સોગાત, અહીં પણ અને ત્યાં પણ


કેવો સફરનો અંત હતો શું લખું કમલ

સરખો જ છે વૃતાંત, અહીં પણ અને ત્યાં પણ

મોસમો બદલાય છે


એકધારા કામથી અકળાય છે,

એટલે આ મોસમો બદલાય છે.


કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,

સૌની સામે રોજ ડૂબી જાય છે !


કોણ કહે, પાષાણને ભાષા નથી ?

પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !


જયારે કોઇ પંખીનો માળો તૂટે,

વૃક્ષ પક્ષ સાથે જ ત્યાં વીંધાય છે.


વન અને વનવાસીને જૉયા પછી,

દેહ ને આત્મા વિશે સમજાય છે.

અર્ઝ કિયા હૈ



હોય એ આરંભની કે અંતની,

આ પરિસ્થિતિ તો બદલાતી નથી


અંત જેવું કયાં હજી દેખાય છે?


પહાડમાંથી પહાડ બેઠા થાય છે


આરંભમાં જ આંખને ભીની કરો નહીં,


એવા પ્રસંગો કંઇક કથામાં ભર્યા હશે


અંત વેળાની સહજતા પામવા,


મોત સાથે પણ ઘરોબો જોઇએ
 

કમલનું ગુજરાતી વિશ્વ ! Blak Magik is Designed by productive dreams for smashing magazine Bloggerized by Blogger Template © 2009